ગુજરાતમાં પંચધાતુમાં નિર્મિત શ્રી હનુમાનજી મહારાજની સૌથી ઉંચી પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’ ભક્તિ, સેવા અને કળાનાં દિવ્યતા અને ભવ્યતાનાં સંગમ સમાન છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ ગુજરાત અને સનાતન ધર્મનાં ગૌરવ સમાન આ પ્રતિમા સાળંગપુરધામમાં સૌને દર્શન આપે છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામમાં તા. 5 એપ્રિલ 2023નાં રોજ હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ પંચધાતુમાં બનેલી ગુજરાતમાં હનુમાનજી મહારાજની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠનાં પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં હસ્તે 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાનું નિર્માણ પંચધાતુમાંથી કરવામાં આવ્યું અને તેમાં પંચધાતુની જાડાઇ 7 એમ.એમ. જેટલી છે. 54 ફુટ ઉંચી આ પ્રતિમા હરિયાણાનાં માનેસરમાં તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 30 હજાર કિલો છે. જે લગભગ 5000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.
આ વિશાળકાય પ્રતિમાનો બેઝ બનાવવામાં જ એક વર્ષનો સમય લાગ્યો હતો અને તે 50 હજાર સોલિડ ગ્રેનાઇડ રોક અને 30 હજાર ઘનફુટ લાઇમ ક્રોંકિટમાંથી બનાવવામાં આવ્યો છે. દરરોજ 200થી 300 જેટલા કારીગરોએ આઠ-આઠ કલાક મહેનત કરીને આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેકટને 1,45,888.49 સ્ક્વેર મીટરનાં ક્ષેત્રફળમાં તૈયાર કરાયો છે. આ પ્રતિમાનો બેઝ બનાવવા મકરાણાના પથ્થરોનો ઉપયોગ કરાયો છે.