અનંત જીવોનાં કલ્યાણ કરવાનાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં સંકલ્પને સિદ્ધ કરવા અનેક મુક્તોએ જન્મ ધારણ કર્યો હતો.
પાંચસો પરમહંસોમાં સૂર્યની જેમ ચમકતા યોગીરાજ ગોપાળાનંદ સ્વામીમાં જન્મસિદ્ધ યોગકળા હતી. અનેક ઐશ્વર્ય અને સામર્થ્યનાં સ્વામી હોવા છતાં ભગવાન પ્રત્યે દાસત્વપણું એ તેમની આગવી ઓળખ હતી.
ભગવાન સ્વામિનારાયણું પ્રતિનિધિત્વ કરતાં આ અનાદિ મુક્તરાજનો જન્મ વિક્રમ સંવત્ 1837માં મહાસુદ 8નાં સોમવારે ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાનાં ભિલોડા તાલુકાનાં ટોરડા ગામે થયો હતો. બ્રાહ્મણ પરિવાર પિતા મોતીરામ ભટ્ટ અને માતા કુશલાદેવીને ત્યાં તેમનો જન્મ થયો અને બાળપણનું નામ રાખવામાં આવ્યું – ખુશાલ. ગૌર વર્ણ અને તેજસ્વી મુખાકૃતિ ધરાવતાં આ બાળકનાં જન્મજાત લક્ષણો પ્રભાતનાં કિરણો ફૂટે તેમ એક પછી એક પ્રકાશવા લાગ્યાં. ચાર વર્ષની ઉંમરે બાળ ખુશાલે પિતા પાસે દેવભાષા સંસ્કૃતનાં પાઠ શીખવાનાં શરુ કરી દીધાં. સંપ્રદાયનાં ગ્રંથોમાં નોંધ્યા પ્રમાણે જાણવા મળે છે કે બાળવયથી જ ખુશાલ ભટ્ટનાં જીવનમાં અનેક પરચા નોંધાયા છે. દુષ્કાળનાં સમયે જન કલ્યણનાં હેતુથી સંકલ્પમાત્રથી વરસાદ વરસાવ્યો હોય કે જડને ચૈતન્ય બક્ષ્યું હોય. અલૌકિક સામર્થ્ય ખુશાલ ભટ્ટનાં બાળજીવનમાં જોવા મળે છે. આઠ વર્ષની વયે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા બાદ અન્ય ગામમાં તેમને વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. અપ્રતિમ બુદ્ધિ અને તેજસ્વી પ્રતિભા ધરાવતાં ખુશાલે વ્યાકરણ, ન્યાય, વેદ-વેદાંત, તર્કશાસ્ત્ર, મીમાંસા, જ્યોતિષ, ખગોળ વગેરે તમામ શાસ્ત્રોનો ગહન અભ્યાસ પૂર્ણ કર્યો.
પૂર્વનાં યોગાભ્યાસી ખુશાલ સદાય ટોરડા ગામનાં પાદરે વહેતી નદીનાં કિનારે આવેલાં મહાદેવનાં દેરા પાસે ધ્યાનમગ્ન બેસી રહેતાં. તો ક્યારેક સોહામણી પર્વતમાળાની કંદરામાં જઈને તપ કરતાં. ભક્તિ અને યોગની કાંતિ તેમનાં મુખારવિંદ ઉપર સહજ કદાય ઝળહળતી.
અસાધારણ બુધ્ધિપ્રતિભા ધરાવતાં ખુશાલ ભટ્ટે શિક્ષા ગ્રહણ પછી ટોરડા ગામમાં પાઠશાળા શરૂ કરી. અહીં તેઓ બાળકોને જ્ઞાન પઠનની સાથે ભગવદ્ભક્તિનાં પાઠો પણ ભણાવતાં. ધૂન, કીર્તન, શાસ્ત્રમાં નિરુપિત ભગવાનનાં ચરિત્રોનું અધ્યયન પણ કરાવતાં.
પ્રાગટ્યથી લઈને કોઈ એવો દિવસ ન હતો જે દિવસે બાળ ખુશાલે કોઈ ચમત્કાર ન દેખાડયો હોય. નિઃસ્વાર્થ ભક્તિ અને સાંસારિકતાથી વૈરાગ્યને કારણે બાળ ખુશાલનો અધિકાંશ સમય દેવદર્શન, પૂજાપાઠ, કથાવાર્તા, સંતોની સેવા વગેરેમાં જ વ્યતીત થતો. આટલી અલ્પ આયુમાં ધ્યાનનો આટલો ગહન અભ્યાસ અને યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધ્યાન-ધારણા અને સમાધિમાં અત્યંત નિપુણતા જોઈને સર્વે લોકો તેમને યોગીરાજ કહીને સંબોધિત કરવા લાગ્યા.
થોડાં વર્ષો પછી વાડાશિનોરનાં સ્વામિનારાયણ સત્સંગીઓ કાશીરામભાઈ અને મુરલીધરભાઈ પાસેથી તેમણે ભગવાન સ્વામિનારાયણનો મહિમા જાણ્યો. પૂર્વનાં સંસ્કારથી બાળ ખુશાલને ભગવાન સ્વામિનારાયણને મળવાની તાલાવેલી જાગી. કેટલાક સમય બાદ બાળ ખુશાલે ભગવાનનાં દર્શન કર્યાં અને પ્રસંગોપાત તેમનાં સાંનિધ્યમાં સેવા ભક્તિ કરી. સંવત્ 1864નાં કારતક વદ 8નાં રોજ ગઢડામાં દાદા ખાચરનાં દરબારમાં અક્ષર ઓરડીમાં ભગવાન સ્વામિનારાયણે તેમને ભાગવતી દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી નામ આપ્યું.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં અધિકૃત ગ્રંથ ભક્ત ચિંતામણી જણાવે છે,
ધર્યું નામ તે ગોપાળાનંદ, થયા યોગેશ્વર જગવંદ;
ફરે દયાળુ સરવે દેશ, આપે મુમુક્ષુને ઉપદેશ,
કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સહુ.
સદ્ગુરુવર્ય શ્રીગોપાળાનંદ સ્વામીએ શ્રીહરિની ઈચ્છાનુસાર સત્સંગમાં અવિરત વિચરણ કર્યું અને પરમેશ્વરની શુદ્ધ ઉપાસના-ભક્તિનું ભક્તજનોને જ્ઞાન આપ્યું. સ્વામીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં દુઃખી લોકોનું દુઃખ નષ્ટ થતું. તેમનાં વિદ્વતાપૂર્ણ અને ચમત્કારી વચનોથી કેટલાક મહારાજાઓ પણ ભગવાન શ્રીસ્વામિનારાયણના આશ્રિત થયા. અનેકવિધ ઐશ્વર્ય પ્રદર્શનની સાથે સ્વામીજીએ પોતાની કૃપા પ્રદર્શિત કરી કેટલાક સંસ્કૃત ગ્રંથોનું નિર્માણ કર્યું. વચનામૃત જેવા ગહન સત્શાસ્ત્રનું સંપાદન કર્યું. બોટાદમાં ભગવાન શ્રીસ્વામિનારાયણના ચરણારવિંદ અને સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ જેવી અનેક પ્રત્યક્ષ ચમત્કારી મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરી.
શ્રીગોપાળાનંદ સ્વામીનાં શ્રીચરણોથી જે જે ભૂમિ અંકિત થઈ ત્યાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થઈ અને દુઃખ, અશાંતિ તથા દરિદ્રતા ત્યાંથી સંપૂર્ણપણે નાશ પામ્યા. શ્રીહરિના તિરોધાન પછી સંપ્રદાયનું બંધારણ સદ્ગુરુ ગોપાળાનંદસ્વામીએ નિશ્ચિત કર્યું. સર્વજનોને યથાર્થ માર્ગદર્શન આપતા થકા અને ભગવાન શ્રીસ્વામિનારાયણનું પ્રતિનિધિત્વ કરતા થકા તેઓએ ઉદ્ધવ સંપ્રદાયનો (સ્વામિનારાયણ સંપ્રદાયનો) કલ્પનાતીત વિકાસ કર્યો. માટી અને પથ્થરોથી બનેલા મંદિરોની જગ્યાએ મનુષ્યોના મનમાં ભક્તિરૂપ સિંહાસનમાં શ્રીહરિને પ્રતિષ્ઠિત કરી તેઓએ તમામનું ધ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોની તરફ આકર્ષિત કર્યું. 71 વર્ષ, 3 મહિના અને 12 દિવસ સુધી ભગવાન શ્રીહરિએ આપેલા ઉત્તરદાયિત્વને યથાર્થરૂપથી નિભાવતા યોગમૂર્તિ ગાપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત્ 1908નાં વૈશાખ વદ 5નાં દિવસે વડતાલમાં ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને ભગવાન શ્રીસ્વામિનારાયણની જેમ જ સત્સંગમાં પ્રત્યક્ષ રૂપથી નિવાસ કર્યો. આજે પણ તેમનું પ્રત્યક્ષત્વ સત્સંગ સમાજમાં સર્વત્ર સર્વદા દૃષ્ટિગોચર થાય છે.
ભગવાન સ્વામિનારાણે વડતાલધામમાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અમદાવાદ અને વડતાલ બે ગાદીનાં આચાર્યો, સંતો, બ્રહ્મચારી અને હરિભક્તોનાં ઉપરી તરીકે નિયુક્ત કર્યાં હતાં. બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા, ભાગવત, ઉપનિષદ અને વેદસ્તુતિનાં ગદ્ય પર સંસ્કૃતમાં ભાષ્ય રચીને સ્વામીએ વૈદિક પરંપરામાં સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપાસના અને સિદ્ધાંતને પ્રસ્થાપિત કર્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરમહંસ સમૂહમાં ગોપાળાનંદ સ્વામી પ્રથમ હરોળમાં બિરાજે છે અને સાધુ પરંપરામાં પણ તેઓ વૈરાગ્યમાં શિરમોર સ્થાન ધરાવે છે. તેમનાં સાનિધ્યમાં રહીને કેટલાય ત્યાગીઓ, મહારાજાઓ, સમાજનાં શ્રેષ્ઠીઓ અને અનેક ગૃહસ્થોએ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
ભગવાન સ્વામિનારાયણનાં અંતર્ધાન થયા બાદ સમર્થ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ 22 વર્ષ સુધી સ્વામિનારાયણ સત્સંગનો અભૂતપૂર્વ પ્રસાર તો કર્યો સાથે સંપ્રદાયનાં બંધારણ અને પ્રણાલિકાઓ તૈયાર કરી સદૃઢ કર્યો.