Welcome to Kashtbhanjandev Temple Salangpur

પૂજ્ય સ્વામીશ્રી હરિપ્રકાશદાસ - અથાણાવાળા, સાળંગપુરધામ

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ,
મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ,
સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનાં વ્યવસ્થાપક સંત,
દેશ-વિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કથા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતાં મૂર્ધન્ય કથાકાર તેમજ હજારો
યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છે
પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસ.

વડતાલધામપીઠનાં પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને ગુરુવર્ય સ્વામીશ્રી શ્રીવિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા)નાં આશીર્વાદથી આધ્યાત્મિક અનુભૂતિ અને સામાજિક ઉત્કર્ષ માટે કટિબદ્ધ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીએ ભારત સહિત વિશ્વનાં અનેક દેશોમાં વસતાં લાખો લોકોને સત્સંગ અને સદાચારનો સ્પર્શ કરાવ્યો છે.

સ્વામીશ્રીનું જીવન

ભક્તિ અને સેવાનાં મૂર્તિમાન સ્વરુપ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીનાં આત્મીય અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રેરાઈને હજારો લોકોએ તેમને પોતાનાં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તેમનાં સાનિધ્યમાં સેંકડો લોકો ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓનાં નિરાકરણ પામે છે. સ્વામીશ્રીનાં પ્રથમવખત કે અનેકવખત દર્શન-મુલાકાત કરનાર મહાનુભાવ કે સામાન્ય જન તેમનાં વાત્સલ્યસભર વર્તન, હિંમતભર્યા શબ્દો અને નિર્મળ હાસ્યથી પ્રભાવિત થયા વિના નથી રહી શકતાં.

સ્વામીશ્રીનું કાર્ય

સત્સંગ કથા, વિચરણ અને પ્રવૃત્તિ દ્વારા સ્વામીશ્રીએ દેશ-વિદેશમાં હજારો પરિવારોમાં ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક સદાચારોનાં મૂલ્યોનું સિંચન કરી સભ્ય સમાજનું નિર્માણ કર્યું છે. તેમનું સૌથી મોટું યોગદાન છેઃ સનાતન ધર્મને અનુસરનાર, વિવિધ કૌશલ્યમાં પારંગત અને રાષ્ટ્રસેવામાં સમર્પિત યુવાનોનું સંગઠન. જે સમાજસેવા અને માનવસેવા માટે સદાય તત્પર અને કાર્યરત રહે છે. રોચક શૈલી અને અધિકૃત માહિતી સાથે વિવિધ સ્થળો પર દર વર્ષે યોજાતી સ્વામીશ્રીની અનેક કથાઓ હજારો લોકોને ધર્માભિમુખ કરે છે.

ભગવાન સ્વામિનારાયણ દ્વારા નિર્મિત સંપ્રદાયનાં શિરમોર સ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામને સુવર્ણમંડિત કરી દેવસેવા અને ગુરુસેવાનું અજોડ ઉદાહરણ સ્વામીશ્રીએ પૂરું પાડ્યું છે. 

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ગુજરાતમાં હનુમાનજીની સૌથી ઉંચી પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર, ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય, ભારતનાં સૌથી મોટાં ધાર્મિક યાત્રિક ભવનનાં વિક્રમી સર્જનની સાથે સ્વામીશ્રીએ અનેક સુવિધાઓ સાથે કાયાપલટ કરી છે.

આ ઉપરાંત માનવ કલ્યાણ અર્થે સ્વામીશ્રીની પ્રેરણાથી તેમનાં સંતો અને સ્વંયસેવકો દ્વારા નિયમિત સમાજ સેવાનાં કાર્યો અવિરતપણે કાર્યરત છે.

સ્વામીશ્રીનો સંદેશ

ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલાં જ્ઞાન, ભક્તિ અને સેવાનાં મૂલ્યને આત્મસાત કરીને આંતરિક અને બાહ્ય સદ્ગુણોનાં આચરણ દ્વારા વ્યક્તિ, પરિવાર, સમાજ અને વિશ્વમાં સુખ અને શાંતિ સંભવે છે.

હરિ વાણી

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અહીં સાળંગપુરધામમાં પ્રત્યક્ષ વિરાજમાન છે. જે કોઈપણ દિનદુઃખી અહીં આવે છે તેની પીડા દૂર કરે છે આ હનુમાનદાદા.

શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી