Welcome to Kashtbhanjandev Temple Salangpur

ભગવાન શ્રી સ્વામિનારાયણ

ભગવાન શ્રી સ્વામિનારાયણ અઢારમાં સૈકાનાં પૂર્વાધમાં વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ, ઈ.સ. 1781, 2 એપ્રિલ, સોમવારનાં દિવસે આ પૃથ્વી પર પ્રગટ થયા. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ચરણોથી અંકિત થવાનું પ્રથમ સૌભાગ્ય ઉતરપ્રદેશમાં અયોધ્યા પાસે આવેલાં ગામ છપૈયાની ધન્ય ધરાને પ્રાપ્ત થયું. માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવને બાળપ્રભુએ લીલાચરિત્રો દ્વારા સુખ આપ્યું. બાળવયમાં તેઓ ઘનશ્યામ પ્રભુનાં નામે પ્રસિદ્ધ થયા.

અયોધ્યાવાસીઓ માટે બાળપ્રભુ ઘનશ્યામ સૌનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. નાની ઉંમરે જ પિતા ધર્મદેવ પાસે વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત તેમજ અનેક પુરાણોનો અભ્યાસ કર્યો અને કાશી નગરીમાં જઈને વિદ્વાનોને પરાજીત કર્યા. કિશોર વયનાં આરંભે માતા-પિતાને દિવ્યગતિ આપીને 11 વર્ષની નાજૂક ઉંમરે ગૃહત્યાગ કરીને તપસ્વી વેશ ધારણ કરીને આરંભ કરી હજારો કિલોમીટરની કલ્યાણ યાત્રા. જેમાં, તેઓ નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા.

વિક્રમ સંવત 1849, અષાઢ સુદ 10ની વહેલી સવારે અયોધ્યોથી નીકળી તેમણે ઉત્તર ભારતની વાટ પકડી. ત્યાંથી નેપાળ આવીને પ્રાચીન તીર્થસ્થાન પુલ્હાશ્રમમાં કઠિન તપસ્યા કરી. તેમનાં કૃષકાય પણ તેજોમય દેહને નિહાળી સૌ કોઈનાં મુખમાંથી નીલકંઠ વર્ણીની જય શબ્દો સરી પડતાં. બ્રહ્મચર્ય, આત્મ નિયંત્રણ અને દુન્યવી વસ્તુઓ કે સુવિધાઓ પ્રત્યે તેઓ સદા અનાસક્ત રહેતા. શરીર પર માત્ર એક કપડું અને ખુલ્લા પગે ઘોર જંગલો, વિશાળ પર્વતમાળાઓ, વિશાળ નદીઓ, સમુદ્ર કિનારાઓ, ગામ, નગરોથી પસાર થતાં નીલકંઠ વર્ણીએ ભારત ભૂમિને તીર્થત્વ પ્રદાન કર્યું અને અસંખ્ય તપસ્વીઓને દર્શન આપી સાધનાનું ફળ આપ્યું. 7 વર્ષ, 1 મહિનો અને 11 દિવસ સુધી સમગ્ર ભારતની તપ કલ્યાણ યાત્રા કરી વિક્રમ સંવત્ 1856 શ્રાવણ વદ 6નાં રોજ તેઓ ગુજરાતનાં લોજ ગામમાં પધાર્યા.

ગુજરાતનાં લોજ ગામમાં ગુરુ રામાનંદ સ્વામીનાં આશ્રમમાં નીલકંઠ વર્ણીનો મેળાપ મુક્તાનંદ સ્વામી સાથે થયો. વિક્રમ સંવત્ 1857નાં કાર્તિક સુદી એકાદશીનાં દિવસે પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને મહાદિક્ષા આપીને તેમને બે નામ આપ્યાઃ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ.

સદ્ગુરુ રામાનંદ સ્વામીએ એકવીસ વર્ષનાં યુવાન સહજાનંદ સ્વામીનું સત્વ પિછાણ્યું. તેથી જ અદ્ભુત કાર્યશક્તિ અને આધ્યાત્મિક ક્ષમતા ધરાવતા સહજાનંદ સ્વામીને ધર્મની ગાદી સોંપવા નિર્ણય કર્યો. વિક્રમ સંવત્ 1859 કાર્તિક સુદ 11નાં શુભ દિને જેતપુર ધામમાં શ્રી સહજાનંદ સ્વામીનો પટ્ટાભિષેક કરી સંપ્રદાયની ગાદીનાં આચાર્યપદે સ્થાપ્યા. પછી વરદાન માંગવા જણાવ્યું ત્યારે શ્રી સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે બે વરદાન માંગ્યા જે આધ્યાત્મિક જગતમાં ઈતિહાસમાં અદ્વિતિય છેઃ

(1) હે સ્વામિન્ ! આ લોકમાં અંત સમયે મનુષ્યોને અગણિત વીંછીઓના ડંખની પીડા કરતા પણ અધિક દુઃખ થાય છે, તથા બીજી પણ શરીર સંબંધી જે જે પીડાઓ થાય છે; તે વેદનાઓનું દુઃખ જો તમારા ભક્તજનોને ભોગવવાનું લખ્યું હોય તો તે મને પ્રાપ્ત થાઓ પણ તમારા ભક્તો દુઃખી ન થાઓ.

(2) હે સ્વામિન્ ! ભગવદ્ભક્તિ કરનારા તમારા ભક્તજનોને પોતાના કઠિન કર્મસંજોગોવશાત્ ક્યારેય પણ અન્ન વસ્ત્રાદિકની પીડા અવશ્ય ભોગવવાની ભાગ્યમાં લખી હોય તો તે પીડા મને આવે પણ તેઓ અન્ન વસ્ત્રે કરીને ક્યારેય દુઃખી ન થાય.

આમ, ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ વરદાનમાં બીજાનું દુ:ખ પોતે ભોગવે તેમ માંગ્યું, પણ વૈભવ-વિલાસ માંગ્યો નહિ. ગુરુપદે આરૂઢ થયેલા સહજાનંદ સ્વામીએ સૌ પ્રથમ સમાજ કલ્યાણનું કાર્ય હાથ ધર્યું.

હિંદુધર્મનાં સંપ્રદાયોમાં દરેક સંપ્રદાયને પોતાની તાત્વિક-સૈદ્ધાંતિક પીઠિકા હોય છે જેને મત પણ કહે છે. જીવ, માયા, ઇશ્વર, અક્ષર (બ્રહ્મ) અને પરમેશ્વર (પરબ્રહ્મ) વચ્ચેનાં પરસ્પર સંબંધનું સ્વરૂપ કેવું છે તે અંગેની માન્યતા એટલે મત. આ સૈદ્ધાંતિક માન્યતા કે મતની ભિન્નતાને લીધે જ વિવિધ સંપ્રદાયોનું અસ્તિત્વ છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સિદ્ધાંત તરીકે રામાનુજાચાર્યજીનાં વિશિષ્ટાદ્વૈત મતનાં સિદ્ધાંતનું અનુમોદન કર્યું. પરંતુ રામાનુજાચાર્યના સિદ્ધાંતને તેમણે એક નવા આયામ સાથે સ્વીકાર્યો છે, જેને કારણે તેમના સિદ્ધાંતમાં તેમના દર્શનની એક આગવી છાંટ ઉભી થાય છે. 

રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ ભક્તોને ધ્યાન અને જપ કરવા સ્વામિનારાયણ મંત્ર આપ્યો. તે મંત્રનાં જપથી સૌ કોઈ આધ્યાત્મિક અનુભૂતિ કરવા લાગ્યા અને તે સાથે વિશ્વને મળ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણ.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૃહસ્થ અને ત્યાગીઓનાં અલગ નિયમની રુપરેખા આપી. ગૃહસ્થનાં નિયમોમાં પંચવર્તમાન થકી દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલાવું નહી કે કોઈને વટલાવવું નહીં એવા પાંચ નિયમો આપીને આદર્શ ભક્ત અને આદર્શ નાગરિક બનાવી સભ્ય સમાજનું નિર્માણ કર્યું.

વૈદિક ધર્મની ઓળખ અને સમાજમાં ધર્મનાં મૂલ્યોને પ્રસરાવવા માટે સ્ત્રી-ધનનાં ત્યાગી તેજસ્વી સ્વામિનારાયણ સંત પરંપરાની અણમોલ ભેટ આપી. ભક્તિ, જ્ઞાન અને સેવાને વરેલા ભગવાન સ્વામિનારાયણનાં સંતોએ સમાજને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતે સશક્ત કરવાની પરંપરા આરંભ કરી.

ધર્મપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણે સમાજમાં રહેલા સડાને દૂર કરવાનું કાર્ય હાથ ધર્યું. સમાજમાં વેગીલી બનેલી અંધશ્રદ્ધા અને વહેમથી પીડાતા લોકોને તેમાંથી મુક્ત કરી સન્માર્ગે વાળ્યા. સમાજમાં રૂઢ થયેલા કુરિવાજો જેવા કે – બાળકીઓને દૂધપીતી કરવાનો રિવાજ, સતીપ્રથાનો રિવાજ, લગ્નમાં ગવાતાં ફટાણાં (બીભત્સ ગીતો) વગેરે અનેક કુરિવાજો તથા કુપ્રથાઓ નાબૂદ કરી. યજ્ઞમાં થતી પશુહત્યાનો નિષેધ કર્યો. ભગવાન સ્વામિનારાયણે શહેરો અને ગામડાઓમાં વિચરણ કરીને અંધશ્રદ્ધા તથા વહેમની ભીંસમાં ભીંસાતી ભોળી પ્રજાનો ઉદ્ધાર કર્યો.

ભગવાન શ્રી સ્વામિનારાયણે જોયું કે, સમાજમાં સ્ત્રીઓ અને શુદ્ર જાતિનાં મનુષ્યો સાથે ઘણી પ્રકારનાં અન્યાય થાય છે. અમુક ધર્મગુરુઓ તેમને ભગવાનની ભક્તિના અધિકારી પણ નથી માનતા. આ અન્યાયમાંથી મુક્ત કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્ત્રીભક્તોના જુદાં મંદિર કરાવી તેમને સ્વતંત્રતા આપી. અને અનેક શુદ્ર ભક્તોને પણ પોતાના આશ્રિતો કર્યા.

તે સમયે ધર્મનાં નામે થતાં ઘણા દૂષણો અને અંધશ્રદ્ધાઓ હતી. જેમ કે – સતીપ્રથા, દીકરીને દૂધપીતી કરવી, હિંસામય યજ્ઞો, ભૂવા, ભરાડી આ બધા દૂષણોએ ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર ભારતને પાંગળું બનાવી દીધું હતું. ગાંધીવાદી અને મહાન વિચારક શ્રી કિશોરલાલ મશરુવાળા લખે છે કે, ‘એ સમયે ગુજરાતમાં એક પણ ઘર એવું નહિ હોય જ્યાં ઘરમાં સ્ત્રી ભૂતયોનિની ન પામી હોય. અને એક પણ પોળ એવી નહિ હોય કે જ્યાં એકાદ મકાન ભૂતશાળા તરીકે ન ઓળખાતું હોય. એવા વહેમ, અંધશ્રદ્ધા અને ધર્મના નામે ધતીંગો ચાલતા હતા. જે ભગવાન સ્વામિનારાયણે પોતાની આગવી છટાથી દૂર કરી લોકોને આપણી વૈદિક સંસ્કૃતિ તરફ પાછા વાળ્યા. અને માનવજીવનની અદ્ભુત ઉન્નતિ કરી.’

ભગવાન શ્રી સ્વામિનારાયણે સત્સંગ કાર્ય દ્વારા અનેક અધર્મી લોકોનો ઉદ્ધાર કર્યો. મદ્યપાન કરતાં, જુગાર રમતાં, લૂંટફાટ કરતાં, માંસાહાર કરતાં, નિર્દોષ પશુ-પક્ષી તથા મનુષ્યનો સંહાર કરતાં, વ્યભિચાર આચરતા અનેક પાપી જીવોને તેમના દુષ્કૃત્યોમાંથી દૂર કરી સન્માર્ગ તરફ વાળ્યા. તેમને પ્રાપ્તિ વિષયક જ્ઞાન આપી સત્સંગી કર્યા. અતિ ઉદ્ધત ગણાતા કાઠીઓને પોતાના પ્રભાવ દ્વારા શિષ્યો બનાવી તેમના હાથમાં ભાલા, તલવાર વગેરે શસ્ત્રનો ત્યાગ કરાવી તેમના હાથમાં માળા આપી શાસ્ત્રાભ્યાસીઓ બનાવ્યા. જેની વડોદરાથી પુના-સતારા સુધી હાંક વાગે એવો લૂંટારો જોબનપગી, પાપનો પર્વત મુંજોસુર જેવા કેટલાયને પોતાના આશ્રિત કર્યા. ફક્ત ત્રીસ વર્ષના ટૂંકા સમયમાં લાખો આસુરી હૃદયોનું પરિવર્તન કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયીઓ હિન્દુ ઉપરાંત મુસલમાનો, ખોજાઓ, પારસીઓ, જૈનો વગેરે પણ હતા. સુરતમાં આજે પણ પારસીઓ ભગવાનશ્રી સ્વામિનારાયણે આપેલી પાઘને પૂજે છે.

ભગવાન શ્રીહરિએ અનંતકાળ સુધી અનંત જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે સ્વહસ્તે મંદિર નિર્માણ કરી દેવોની સ્થાપના કરી. અમદાવાદ, વડતાલ, ગઢડા, ભૂજ, જૂનાગઢ અને ધોલેરા ધામમાં ગગનચૂંબી ભવ્ય અને દિવ્ય મંદિરોના નિર્માણ કરાવી તેમાં સ્વહસ્તે દેવ મૂર્તિઓ પધરાવી. વડતાલના મંદિરમાં તો ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજનાં નામે પ્રતિષ્ઠિત કરીને પોતાની સર્વોપરી ઉપાસના કરવાનો અને પ્રવર્તાવવાના માર્ગ મોકળો મૂક્યો.

સંપ્રદાયની વૃદ્ધિ અર્થે અમદાવાદ તથા વડતાલ એમ ઉત્તર અને દક્ષિણ ભારતને બે વિભાગમાં વહેંચી પોતાના સ્થાને ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની ગાદીઓ સ્થાપી. પોતાના બે ભાઈઓ મોટાભાઈ રામપ્રતાપજી તથા નાનાભાઈ ઈચ્છારામજીના પુત્રો અયોધ્યાપ્રસાદ અને રઘુવીરને પોતાના દત્તકપુત્ર તરીકે સ્વીકારીને ગાદીના આચાર્યપદે સ્થાપિત કર્યા. આમ, પોતાના સ્વધામગમન બાદ પોતે સ્થાપેલો સ્વામિનારાયણ સંપ્રદાય અવિરત વહેતો રહે તે માટે પોતાના સ્થાને પોતાના જ ધર્મવંશમાં આચાર્ય પરંપરાની સ્થાપના કરી. અને તે ધર્મવંશી આચાર્યને મારા સ્થાન જ માનજો એવી ત્યાગી-ગૃહી સર્વને આજ્ઞા કરી. ભગવાન શ્રી સ્વામિનારાયણે ધર્મવંશી આચાર્યને જ ગુરુમંત્ર અને ત્યાગી-ગૃહીને દીક્ષા આપવાના અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવાના અધિકારી બનાવ્યા છે. એ સિવાય બ્રહ્મસ્થિતિને પામલ કોઈ સંત કે હરિભક્તને પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુમંત્ર, દીક્ષા આપવાનો કે પ્રતિષ્ઠા કરવાનો અધિકાર આપ્યો નથી.

વિશાળ સત્સંગીજનોનો સમુદાયને દઢ નિયમમાં રહેવા માટે શિક્ષાપત્રી નામના ઉત્તમ ગ્રંથની પોતે રચના કરી. પોતાનાં ઉપદેશોને સંપાદિત કરાવીને પોતે જ પ્રમાણિત કરી વચનામૃત ગ્રંથ આપ્યો. સાથે સાથે પોતાના લીલાચરિત્રોનાં શ્રીસત્સંગિજીવન, શ્રીહરિદિગ્વિજય, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્તચિંતામણિ જેવા ગ્રંથોની રચના સંપ્રદાયનાં વિદ્વાન સંતો પાસે કરાવી.

આમ, ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપેલ દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત – આ છ અંગ દ્વારા પ્રગટ રહેવાનું વચન આપીને ફક્ત ત્રીસ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ધર્મ પ્રવર્તાવીને પોતાની જીવનલીલા સંકેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ 49 વર્ષની વયે ગઢડામાં વિક્રમ સંવત 1886 જેઠ સુદ 10, ઈ.સ. 1830નાં 1 જૂનનાં દિવસે પંચભૌતિક દેહનો ત્યાગ કરી સ્વધામ અક્ષરધામ સિધાવ્યા.

ભગવાન સ્વામિનારાયણને સ્થાપેલા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ઉપાસના ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંસ્થાન દ્વારા સાળંગપુર ખાતે આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ મંદિરનું સંચાલન કરવામાં આવે છે.