ભારતનાં ગુજરાત રાજ્યમાં અમદાવાદથી આશરે 140 કિલોમીટરનાં અંતરે બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકામાં આવેલું તીર્થધામ સાળંગપુરધામ. ભગવાન સ્વામિનારાયણની પદરજથી પવિત્ર થયેલાં સાળંગપુરધામમાં સદ્ગુરુ સંત ગોપાળાનંદ સ્વામીએ સંવત્ 1905માં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ગોપાળાનંદ સ્વામીએ યોગિક શક્તિઓથી મૂર્તિમાં હનુમાનદાદાનાં પ્રચંડ તેજ અને પ્રાણનો આહિર્ભાવ કર્યો કે તે મૂર્તિ કંપન કરવા લાગી હતી. ત્યારથી આજ દિન પર્યંત સાળંગપુરધામમાં બિરાજતાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સૌ કોઈની આધિ, વ્યાધિ અને ઉપાધિ તમામ કષ્ટ દૂર કરે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા શ્રીકષ્ટભંદનદેવ હનુમાનજી મંદિર, સાળંગરપુરધામનું સંચાલન થાય છે.