Welcome to Kashtbhanjandev Temple Salangpur

Sadvanchan Archive

History of Shree Kashtabhanjan Dev

ભગવાન સ્વામિનારાયણ અનેકવાર સાળંગપુર ગામમાં પધાર્યાં હતાં. તેમણે આ જ ભૂમિ પર વચનામૃત ઉદ્બોધન કર્યાં અને શુદ્ધ સ્વરુપે ઉત્સવોને ઉજવવાનો આરંભ કર્યો. ભગવાન સ્વામિનારાયણ તેમનાં સંતો સાથે સાળંગપુર પધારી અહીં વસતાં ગ્રામજનોની ભક્તિ સ્વીકારી તેમને સદ્ધર્મ અને સદ્મૂલ્યોનું સિંચન કરતાં. ભગવાન સ્વામિનારાયણે અહીંનાં ભક્તોને આશીર્વચન આપીને જણાવેલું કે આ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થશે અને સૌનાં દુઃખ દૂર કરે તેવા દેવ બિરાજશે.

ભગવાન સ્વામિનારાયણનાં ઘામગમન બાદ તેમનાં જ અગ્રગણ્ય સંતવર્ય સદ્ગુરુ શ્રી શ્રીગોપાળાનંદ સ્વામી એક સમયે સાળંગપુર ગામ પધાર્યા. તેમનાં દર્શન માટે ગામમાં રહેતાં હરિભક્ત વાઘાખાચર અને ગામનાં અન્ય લોકો પધાર્યા. સાષ્ટાંગ પ્રણામ કરી તેઓ સ્વામિની સમીપ બેઠા.

ગોપાળાનંદ સ્વામીએ સહજ સ્વભાવે પૂછ્યું કે, “વાઘા ખાચર, સર્વ કુશળ મંગળ તો છે ને ?“ સ્વામીશ્રીનાં આ સવાલથી વાઘાખાચરનાં ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ દેખાઈ.

વાઘા ખાચરે અતિદીન સ્વરે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે, “હે ગોપાળાનંદ સ્વામી ! પાછલાં ત્રણ વર્ષોથી દુકાળનાં કારણે ગામલોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક થઈ ગઈ છે. અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ સંતો ક્યારેક સાળંગપુર આવે તો છે પરંતુ રોકાણ નથી કરી શકતા. તે કારણે સત્સંગનો પણ દુકાળ થયો છે.”

ભગવાન સ્વામિનારાયાણનાં પ્રસાદીભૂત સાળંગપુર ગામ અને ગામલોકોની નાજૂક પરિસ્થિતિ સાંભળી સદ્ગુરુ સંત ગોપાળાનંદ સ્વામીનું હૃદય કરુણાથી પીગળી ગયું. તેમણે વાઘાખાચરને કહ્યું, “સાળંગપુરનિવાસીઓ, હું તમને પ્રતાપી દેવની સ્થાપના અહીં કરી આપું છું. જે તમારાં બધાં જ કષ્ટો અને પીડાનું ભંજન કરશે. તેમનાં દર્શન કરવાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે.”

પહેલાં તો વાઘાખાચર અને ગામલોકોને આ વાતમાં સમજ પડી નહિ. તેથી સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું, “તમારા બધા કષ્ટોનું ભંજન કરવાવાળા શ્રીહનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરું છું. તેમની મૂર્તિનાં દર્શનથી તમારા કષ્ટો સર્વદા માટે મટી જશે.” આ વાત સાંભળીને વાઘાખાચર ભાવવિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનુ મસ્તક મુકી પોતાને અતિધન્ય માનવા લાગ્યા.

ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને તે પ્રમાણે જ મૂર્તિ નિર્માણ કરવાનું કહ્યું. આમ, મૂર્તિ નિર્માણ અને મંદિર નિર્માણનું કાર્ય ચાલુ થયું. પરમ ઐશ્વર્યમૂર્તિ સદ્ગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીનાં હસ્તે જે કાર્ય થઈ રહ્યું હોય તેમાં કયું વિઘ્ન આવી શકે ?

મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવત્ 1905નાં આસો વદ પાંચમનાં દિવસે શાસ્ત્રોક્તવિધિથી મહાન પ્રતિષ્ઠા ઉત્સવ યોજી સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠાવિધિનો આરંભ થયો.

પ્રતિષ્ઠા સમયે ભગવાન સ્વામિનારાયણનાં કૃપાપાત્ર સદ્ગુરુ સંતવર્ય ગોપાળાનંદ સ્વામીએ યષ્ટિકા (ટેકા માટેની લાકડી) પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રાટક વિધિ આરંભ કરતાં હનુમાનજી મહારાજનું આવાહ્ન કર્યું. થોડી જ ક્ષણમાં હનુમાનજી મહારાજનો મૂર્તિમાં પ્રવેશ થતાં જ મૂર્તિ કાંપવા લાગી.

શંખનાદ અને ઘંટનાદ સાથે ચારે દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે દેવ! અહીં ભગવાન શ્રીસ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાનાં કોઈ પણ પ્રકારનાં દુઃખ, કષ્ટ, પીડા લઈને આવે તે તમામ આપનાં દર્શનથી દૂર થાય, તેમનું રક્ષણ થાય, તેઓ સુખ-સંપન્ન થાય તે માટે હે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આપ સદાય અહીં બિરાજો.”

‘શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની જય’નાં ગગનભેદી જયનાદ સાથે સાળંગપુરમાં હનુમાનદાદા બિરાજ્યા.

ત્યારપછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા (ટેકા માટેની લાકડી) હતી તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારથી ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરત જ ઉપદ્રવ શાંત થઈ જશે.

ભગવાન સ્વામિનારાયણે સાળંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું અને તેમનાં સંત ગોપાળાનંદ સ્વામીએ અહીં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી સાળંગપુરધામ બનાવ્યું.